ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ મહત્વપૂર્ણ નિર્ણય લઈને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની પેપર સ્ટાઈલમાં મોટા ફેરફારો કર્યા છે. આ નવા નિયમો અને ફેરફારોનો સીધો અસર વિદ્યાર્થીઓ પર પડશે. ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને જે મૂંઝવણનો સામનો કરવો પડતો હતો, તે દૂર કરવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે.
2025-26થી લાગુ થશે નવા નિયમો
આ નવા ફેરફારો શૈક્ષણિક વર્ષ 2025-26ની પરીક્ષાથી લાગુ થશે. ધોરણ 10 અને 12ના ગણિત, અંગ્રેજી, અર્થશાસ્ત્ર અને સામાન્ય વિજ્ઞાન જેવા વિષયોના પ્રશ્નપત્રમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વિકલ્પ પ્રશ્નો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓને પ્રશ્નો લખવામાં મુશ્કેલી ન પડે.
શિક્ષણ મંત્રીનું નિવેદન
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે ગયા વર્ષ દરમિયાન સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર સમજવામાં મુશ્કેલી પડી હતી. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમોથી દિવ્યાંગ બાળકોને મોટો ફાયદો થશે અને પરીક્ષા પ્રક્રિયા વધુ સરળ બનશે.
ભવિષ્યમાં પણ આ મુદ્દે વધુ ફેરફારો થવાની શક્યતા છે અને નવા પ્રશ્નપત્રના નમૂનાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓને સારી તૈયારી કરી શકે.
0 Comments